News Detail

Posted By : Admin    |   Allergy
એલર્જી – તમારી તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ જાણકારી

એલર્જી એ શરીરની રોગપ્રતિકારક શક્તિ (immune system) તરફથી એ સામાન્ય પદાર્થો સામે થતી અસામાન્ય પ્રતિક્રિયા છે, જે સામાન્ય રીતે અન્ય લોકો માટે હાનિકારક નથી હોતી.

એલર્જી એ શરીરને રોગ અને ચેપથી મુક્ત રાખતી તેમ શરીરના અવયવો અને તમામ પ્રકારના કોષોને સંયુક્ત અને તંદુરસ્ત રાખતી ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે.

શરદીને લીધે શરીરમાં દુખાવો, તાવ અને ખાંસી થવી સહજ બાબત છે. મોટા ભાગના લોકો એવા ભ્રમમાં જીવે છે કે શરદી સામાન્ય છે અને તે બે-ચાર દિવસમાં મટી જાય છે. તેથી એમાં દવા લેવાની જરૂર નથી. પણ હકીકત છે કે બીમારીની ઝપટમાં ઝડપથી આવે છે. આવી વ્યક્તિઓને સાજા થવામાં વધારે સમય લાગે છે. તેથી અઠવાડિયાથી વધુ દિવસ થઈ જાય છતાં શરદી મટે તો સ્થિતિ ગંભીર હોઈ શકે છે. શરદી થવા પાછળ એલર્જી પણ જવાબદાર છે.

ઘણા લોકોને ધૂળના રજકણો કે સૂક્ષ્મ જીવાણુઓને કારણે એલર્જી થાય છે. બીજી રીતે કહીએ તો હવાના સીધા સંપર્કમાં આવતાં અંગો એલર્જીનો બહુ જલદી શિકાર બનતા હોય છે. રજકણો ઉપરાંત અમુક પદાર્થો શરીરમાં જવાથી પણ એલર્જી થાય છે. જેમ કે ખોરાકની, દવાની, વાતાવરણની અને જીવજંતુના ડંખની એલર્જી થાય છે.

ઘણાને કોઈ ખાસ પ્રકારનાં શાકભાજી કે ફળ ખાવાથી એલર્જી થાય છે. એની શરૂઆત પેટના દુખાવાથી, ખંજવાળથી, નાની ફોલ્લીઓથી, ઊલટીથી, ઝાડાથી કે શરીરના કોઈ ભાગમાં સોજો ચડવા સાથે થાય છે. ફૂડ એલર્જીમાં શ્વાસની તકલીફ ભાગ્યે થાય છે. ઘણા લોકોને અમુક દવા માફક આવવાને લીધે પણ એલર્જી થાય છે.

એલર્જીના પ્રકારો :

શ્વાસ દ્વારા
પાલતુ પ્રાણીનો સંપર્ક
ભેજને લીધે થતી ફૂગ
ધૂળના રજકણો
ફૂલોના પરાગ કણ
ઇન્જેક્શન
ઇન્જેક્શનથી
જીવજંતુનો ડંખ
આહાર
દવાઓના સેવનથી
દૂધ અને દૂધની બનાવટ
ત્વચા સાથે સંપર્ક
જ્વેલરી
પાલતુ પ્રાણીઓ
રબર જેવા કૃત્રિમ પદાર્થો
અમુક વનસ્પતિ
અમુક ખાદ્ય પદાર્થોના સેવનથી
માસાંહાર

એલર્જીનાં લક્ષણો :

નાકમાં ખંજવાળ
નાકમાંથી પાણી વહેવું અથવા નાક બંધ થઇ જવું
ખાંસી થવી
ગળામાં ખંજવાળ આવવી
છીંક આવવી
આંખમાં ખંજવાળ આવવી
આંખમાંથી પાણી વહેવું
ઊંઘ આવવી
ગભરામણ કે બેચેની થવી
માથામાં દુખાવો થવો
કાન બંધ થઇ જવો
ઉબકાં આવવા કે ઊલટી થ‌વી
પેટમાં દુખાવો થવો
નાક અને તેની આસપાસની ત્વચા લાલ થઇ જવી

સામાન્ય એલર્જીથી બચવાના ઉપાય :

ઘરમાં હવાની અવરજવર થવા દો
ઘરની આજુબાજુ ગંદકી ન થવા દો
સાફસાફાઇનું વિશેષ ધ્યાન રાખો
ઘરમાં વધારાનો કચરો કે ભંગાર સંઘરી ન રાખો
એરકન્ડિશનરને અમુક સમયના અંતરે સાફ કરાવો
પુસ્તકોના કબાટમાં ન જીવાત થઇ જાય તેનું ધ્યાન રાખો
ઉનાળામાં પલંગની ગાદી કે ગાદલાંને તડકે તપાવો
ઘરમાં ફર્નિચરને ઊધઇ ન થાય તેની કાળજી રાખવી
ઘરમાં ભેજ ન આવે તેનું ધ્યાન રાખવું
ઘરની સાફ-સફાઇ નિયમિત કરવી
ડસ્ટ એલર્જીથી બચવા ઓશીકાનાં કવર, ચાદર વગેરે અઠવાડિયામાં બે વાર ધોવાં
જેમને ધૂળની એલર્જી હોય તેમણે ઘરમાં કાર્પેટ કે પડદા રાખવા નહીં

એલર્જિક શરદી ઉધરસ :

- સૌંદર્યપ્રસાધનો, પર્ફ્યુમ્સ, પેટ્રોલ, અગરબત્તીની સુગંધથી થતી એલર્જી માટે એનાથી દૂર રહેવું અને પ્રદૂષિત પર્યાવરણની પરિસ્થિતમાં ધુમાડો, રજ, હવા, પાણી અને માટી વગેરે વ્યક્તિની શ્વાસનળીમાં દાખલ થઇને એલર્જી શરદી,ખાંસી પેદા ના કરે માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવો જોઇએ.

- એલર્જિક વિકારોથી દૂર રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. હળદરવાળું દૂધ પીવું જોઇએ. સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી પી શકાય. પૂરતી ઊંઘ લેવી જોઇએ અને પૌષ્ટિક આહાર ઉપર પૂરતું ધ્યાન આપવું જોઇએ. શેકેલા ચણા, ધાણી, ખજૂર, સૂકો મેવો વગેરેનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે.

- એલર્જિક શરદીમાં નાકમાંથી પાણી નીક‌ળ્યાં કરવું, નાક વારંવાર બંધ થઇ જવું અને ક્યારેક ઝીણો તાવ પણ રહે છે. આમાં તબીબી સલાહ લઇને ત્રિભુવનકીર્તિરસ, ચંદ્રામૃત રસ, વ્યોષાદિવટી, શ્રૃંગભસ્મ, મહાલક્ષ્મી વિલાસ રસનું સેવન કરવું.

- બંને નસકોરામાં દિવેલ અથવા તેલનું નસ્ય નિષ્ણાતની સલાહ લઇને લેવું. નિયમિત સવાર, સાંજ નાસ લેવો. મુસાફરી ઓછી કરવી જોઇએ. સ્વિમિંગ કરવું જોઇએ અને પંખાની સીધી હવા તમને લાગે તેનું ધ્યાન રાખવું. વધારે પડતી ઉધરસ આવતી હોય તો સૂંઠ અને ગંઠોડાવાળું દૂધ પીવું. હળદરવાળું દૂધ પણ લઇ શકાય. ઉધરસમાં એલોદિવટી, લવંગાદિવટી, ખદીરાદિવટી કોઇ પણ એક મોંમાં રાખીને ચૂસ્યાં કરવી.

- સૂંઠ, ફુદીનો, તુલસી, લવિંગ, આદું વગેરેને આહારમાં વધારે પડતો ઉપયોગ કરવો જોઇએ. સિતોપલાદિ ચૂર્ણ અને જેઠીમધચૂર્ણને સમાન ભાગે મેળવીને એક એક ચમચી બે વાર મધ સાથે લેવાથી ફાયદો થાય છે.

ઘરગથ્થું ઉપાયો :

લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાત્રે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
દરરોજ રાત્રે સૂતી વખતે સરસિયું કે ગાયના ઘીને નવશેકું ગરમ કરીને નાક દ્વારા એક બે ટીપાં લેવાથી શરદી સળેખમ થતાં નથી તેમજ મસ્તિષ્ક સ્વસ્થ રહે છે.
ગરમ દૂધમાં એક બે ગ્રામ વાટેલી સૂંઠ મેળવીને અથવા તુલસીનાં પાનનો બેથી 10 મિ.લિ. રસ અને આદુના બેથી 20 મિ.લિ. રસમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે ત્રણવાર લેવાથી શરદીમાં લાભ થાય છે.
વડનાં કુમળાં પાનને છાંયડામાં સૂકવીને વાટી લેવાં. અડધા લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી શેષ રહે ત્યારે ઉતારીને ગાળી લેવું અને દળેલી સાકર મેળવીને નવશેકું કરીને પીવું. પ્રયોગ શરદીમાં લાભદાયક છે.
શરદીના કારણે થતા માથાના દુખાવામાં, છાતીના દુખાવામાં તથા બેચેનીમાં સૂંઠના ભૂકામાં પાણી નાખીને ગરમ કરી પીડાવાળા સ્થાને આછો લેપ કરવો. સૂંઠની ગાંગડી નાખી ઉકાળેલું પાણી પીવું. સૂંઠના ચૂર્ણમાં મધ મેળવીને થોડું થોડું રોજ ચાટવું. ભોજનમાં મગ, બાજરી, મેથી અને લસણનો પ્રયોગ કરવો એનાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ કફ-શરદીમાં લાભ કરે છે.
વરિયાળી અને સાકરનું ચૂર્ણ વારંવાર મોંમાં રાખવાથી ગરમીની ઉધરસ મટે છે.
ગંઠોડાઅને સૂંઠનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, ઉધરસમાં લાભ થાય છે.
હળદર,મીઠાવાળો શેકેલો અજમો જમ્યા પછી કાયમ મુખવાસ તરીકે ખાવાની ટેવ પાડવાથી શરદી-ઉધરસ મટે છે.
અજમાની પોટલીથી છાતી પર શેક કરવો જોઇએ. અજમાનો ધુમાડો શ્વાસ દ્વારા અંદર લેવો જોઇએ.
શરદી, સળેખમ તથા કફની ઉધરસમાં હળદર, મીઠા‌વાળા તાજા શેકેલા એક મુઠ્ઠી જેટલા ચણા સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવા પણ એની ઉપર પાણી પીવું.